તબલીગી જમાઅત: માનવસુધારણાનું સૌથી શાંત અને સર્વાધિક લોકપ્રિય વૈશ્વિક સંગઠન
✍️ મૌલવી ઇકબાલહુસેન બોકડા
(સદભાવના ઈ-મૅગેઝિન જાન્યુ.-૨૦૨૨)
૧૯૭૦ના દાયકામાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ ૩૫૨ને આધિન આખા ભારતમાં ૨૧ માસ લાંબી કટોકટી (Emergency) લાગુ કરી દીધી હતી. આ સમયગાળા દરમિયાન ભારતનાં તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક સંગઠનો પર ખૂબ ચાંપતી નજર રાખવામાં આવતી હતી અને જરા પણ શંકાસ્પદ જણાય તો તેના પર પ્રતિબંધ મૂકવાની સાથે જ તેના કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવતા હતા.
દેશની ખ્યાતનામ સમાચાર સંસ્થા The Hindu Group સાથે જોડાયેલ અને Frontline મૅગેઝીનના એસોસિએટ એડિટર ઝિયા-ઉસ્-સલામ પોતાના પુસ્તક ‘INSIDE THE TABLIGHI JAMAAT’માં નોંધે છે કે, કટોકટીના સમય દરમિયાન વડાપ્રધાન કાર્યાલયે દેશની અન્ય સંસ્થાઓની જેમ જ જમાઅતે ઇસ્લામી, જમીયતે ઉલમા અને તબલીગી જમાઅત પર પણ બાજ નજર રાખવાનો આદેશ આપ્યો. ગુપ્તચર એજન્સીઓએ એવો અહેવાલ આપ્યો કે પ્રથમ બંને સંગઠનોમાં થોડીઘણી રાજકીય ચર્ચા થતી રહે છે, પણ તબલીગી જમાઅત તમામ પ્રકારની રાજકીય વાતોથી સદંતર દૂર છે. આમ છતાં કાર્યાલયને પૂર્ણ ખાતરી ન થતાં વધુ તપાસ માટે અમુક જાસૂસો “હઝરત નિઝામુદ્દીન” ખાતે તબલીગી જમાઅતના મુખ્યકેન્દ્રની મસ્જિદમાં મોકલ્યા. જાસૂસોએ દિવસો સુધી પાંચેય નમાઝો અને જુમ્આની નમાઝના પ્રવચનોમાં હાજરી આપ્યા બાદ એવો અહેવાલ આપ્યો કે આ સંગઠનને રાજકારણ તો શું, કોઈ પ્રકારની દુન્યવી બાબતો સાથે લેશમાત્ર નિસ્બત નથી. તેઓ તો માત્ર મુસ્લિમોને પાંચ સમયની નમાઝના પાબંદ બનવાની, ઈશ્વરની યાદમાં મગ્ન રહેવાની અને મૃત્યુ પછીના જીવનની તૈયારી કરવાની પ્રેરણા આપવાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. અહીં ક્યારેય ભૂલથી પણ કોઈ રાજકીય વાત કરવામાં આવતી નથી. આ જમાઅતને તો માત્ર ‘આકાશના ઉપરની અને જમીનના નીચેની વાતો’ (એટલે સ્વર્ગ-નર્ક અને મૃત્યુ પછીના જીવનની વાતો)માં જ રસ છે. આથી વડાપ્રધાન કાર્યાલયે તબલીગી જમાઅતનું નામ પોતાના હિટલિસ્ટમાંથી કાઢી નાંખ્યું. આમ, કટોકટીના કાળ દરમિયાન પણ આ સંગઠન તમામ શંકાઓથી પોતાને બચાવી રાખીને આત્મસુધારણાની પ્રવુત્તિઓમાં વ્યસ્ત રહ્યું. તબલીગી જમાઅતનું નિર્દોષ અને માનવતાના હિતેચ્છુ હોવાનું આ એક તાદૃશ દૃષ્ટાંત નહીં તો શું કહેવાય? આજના આધુનિક કહેવાતા ફેશનના યુગમાં પણ આ સંગઠન એકદમ સાદગીથી પ્રાચીન માનવતાવાદી મૂલ્યોને વળગેલું રહ્યું છે.
દુશ્મન કો ભી સીને સે લગાના નહીં ભૂલે,
હમ અપને બુઝુર્ગોં કા ઝમાના નહીં ભૂલે
તબલીગી જમાઅત વર્તમાન સમયમાં પણ રાજકીય ચર્ચાઓથી એટલી હદે અલિપ્ત રહે છે કે શાહબાનુ કેસથી બાબરી મસ્જિદના ચુકાદા સુધીની બાબતોને રાજકીય ગણીને આ સંગઠન ક્યારેય ન તો જાહેર માર્ગો પર આવ્યું છે કે ન તો પોતાનાં પ્રવચનોમાં તેની ચર્ચા કરી છે. જમાઅત સદાય પોતાનાં વ્યક્તવ્યો કે ચર્ચાઓમાં કોઈ પણ ચૂંટણી, રાજકારણ, કાશ્મીર, વર્તમાન પ્રવાહો જેવી બાબતોને નિષેધ ગણે છે. સંગઠનનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર લોકોને અલ્લાહની બંદગીમાં તલ્લીન કરવાનો છે.
તેરા ઈશ્ક હૈ મેરી ઝિંદગી,
તેરા ઝિક્ર હૈ મેરી બંદગી,
તુઝે યાદ કરતા હું મેં સદા,
મુઝે કામ હૈ ઇસી કામ સે
સ્વયં-શિસ્ત અને સૌમ્યતાનું અસાધારણ ઉદાહરણ:
૧૯૨૬માં સ્થાપિત તબલીગી જમાઅતે પોતાના ઇતિહાસમાં આજદિન સુધી કોઈ પ્રકારની જાહેરાત પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપી નથી. આવી દુન્યવી બાબતોથી વેગળા રહેવું એ આ સંગઠનનો મૂળભૂત સિદ્ધાંત છે. આમ છતાં આશ્ચર્યજનક રીતે વિશ્વનાં સૌથી વિશાળ સંમેલનો બિનચૂક દર વર્ષે યોજવાનો વિક્રમ આ સાદગીપૂર્ણ સંગઠનના ફાળે જાય છે.
તબલીગી જમાઅતનો વ્યાપ જગતના ૧૫૦થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને દરેક દેશના વિવિધ પ્રદેશોમાં તેનાં સંમેલનો બિનચૂક યોજાતાં રહે છે, જેને ‘ઈજતિમા’ કહેવાય છે. આ સંમેલનોમાં ભારે જનમેદની સ્વેચ્છાએ અને સ્વખર્ચે જોડાય છે. કોઈ પણ પ્રકારની સરકારી સુરક્ષા કે સહાયતા વગર ટ્રાફિક, પાણીનું વિતરણ, જમણ, તબીબી સેવાઓ અને પ્રાર્થનાથી લઈને દરેક ક્ષેત્રે બેનમૂન શિસ્તનાં ઉદાહરણો જોવા મળે છે.
ત્રણ દેશોમાં યોજાતાં સંગઠનનાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલનો સ્વયં-શિસ્તનાં સર્વોત્તમ ઉદાહરણો પૂરાં પાડે છે. મધ્યપ્રદેશમાં ભોપાલ શહેરની નજીક ૧૯૪૯થી પ્રતિ વર્ષ નવેમ્બર માસમાં ‘ઈજતિમા’ યોજાય છે, જેમાં એક જ સમયે અને એક જ મંડપમાં ૨૫ લાખથી વધુ લોકો આત્મસુધારણા અને અંતરમનને ખુદાની બંદગીના માર્ગે વાળવાના ઇરાદાથી ભાગ લે છે. જમાઅતના સભ્યો શિસ્ત અને સૌમ્યતાનું એટલું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે કે ૭૩ વર્ષના ઇતિહાસમાં કોમી અણબનાવ તો દૂરની વાત છે, અશિસ્ત કે અવ્યવસ્થાની ઘટનાઓ પણ બનતી નથી. તબલીગી જમાઅતના શાંતિપ્રિય હોવાનું આ જગજાહેર દૃષ્ટાંત છે. મધ્યપ્રદેશના હાલના મુખ્યમંત્રી અને અગાઉના મુખ્યમંત્રીઓ પણ આ સંમેલનની મુલાકાત લેતા રહ્યા છે. શરૂઆતમાં ભોપાલના શાહજહાંબાદમાં આવેલી શકૂરખાન મસ્જિદમાં આ ઈજતિમાનું આયોજન થતું. સમયાંતરે લોકચાહના વધતાં સંમેલનનું સ્થળ બદલીને પ્રખ્યાત તાજ-ઉલ-મસાજિદમાં યોજાવા લાગ્યું. લોકોની સંખ્યા વધતાં આયોજકોએ ૨૦૦૫થી જગ્યા બદલીને ભોપાલ નજીક આવેલ ઈંટખેડીમાં ઈજતિમાનું આયોજન કરવાનું શરૂ કર્યું. આમ છતાં માનવ-મહેરામણમાં સતત વૃદ્ધિ થતાં હવે આ સંમેલન બે ચરણોમાં ૩-૩ દિવસ યોજાય છે, જેમાં અલગ-અલગ વિસ્તારો વહેંચી દેવામાં આવ્યા છે. સંમેલનમાં હજારો વિદેશી તબલીગ-પ્રેમીઓ પણ હાજરી આપે છે.
તબલીગનાં અન્ય બે વિશાળતમ આંતરરાષ્ટ્રીય સંમેલનો પણ ભારતીય ઉપખંડમાં યોજાય છે. લાહોર પાસે રાઇવિંડ શહેરમાં ૧૯૫૪થી યોજાતા વાર્ષિક ઈજતિમામાં ૨૦ લાખથી વધુ લોકો સહભાગી બને છે. નવેમ્બર માસમાં યોજાતા આ ઈજતિમા પણ ભારે લોકહાજરીને જોતાં ૨૦૧૧થી બે ચરણોમાં યોજાય છે. એવી જ રીતે ત્રીજું ભવ્ય આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશના ઢાકા પાસે તુરાગ નદીના કિનારે ટોંગીમાં થાય છે. જેમાં ૫૦,૦૦૦ વિદેશીઓ સહિત અંદાજે ૪૦ લાખથી વધુ લોકો ઉમટી પડે છે. ભારે માનવાકર્ષણના સબબ આ ઈજતિમા ૨૦૧૦થી બે તબક્કાઓમાં અને પછી ૨૦૧૫થી ૪ તબક્કાઓમાં વહેંચી દેવામાં આવ્યું છે.
સરકારી સુરક્ષા કે સહાયતા વિના માત્ર સ્વયંસેવકોની જહેમતથી કોઈ પણ વિઘ્ન, અશિસ્ત કે અવ્યવસ્થા વિના સફળતાપૂર્વક પ્રતિ વર્ષ આયોજિત થતા આ ઈજતિમા તબલીગી જમાઅતના માનવતાવાદી મૂલ્યો સાથે સંકળાયેલ હોવાની બેનમૂન દલીલ કહી શકાય.
સાદગીની પરાકાષ્ઠા:
ખ્યાતનામ ભારતીય વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાન પોતાના પુસ્તક ‘તબલીગી તહરીક’માં સંગઠનના સભ્યોની સદગીનું વર્ણન કરતાં એક મનમોહક ઘટના નોંધે છે, તેઓ લખે છે કે એક તબલીગી જમાઅતના સભ્યો બ્રિટનમાં હતા. તેમના પરંપરાગત સામાન્ય ઝભ્ભા, ઊંચા પાયજામા અને ગોળ ટોપીના લિબાસમાં આ સભ્યો બ્રિટનમાં તો જાણે અન્ય ગ્રહના કે પ્રાચીન યુગના માણસો હોય એવું લાગે. પરંતુ તેઓ કોઈ પણ દેશમાં આધુનિક ફેશનને ત્યજીને આવા જ સામાન્ય પહેરવેશમાં કોઈ ટીકાની પરવા કર્યા વગર અલ્લાહની બંદગીમાં અને તમામ મુસ્લિમોને અલ્લાહની બંદગી તરફ વાળવામાં મગ્ન રહે છે. નમાઝનો સમય થતાં આ ફરિશ્તા-સમાન લોકો એક જાહેર પાર્કના ખૂણામાં બંદગી કરવા લાગ્યા. ત્યાં બેઠેલા અંગ્રેજો અચંબાથી તેમને નિહાળતા રહ્યા. જ્યારે તેઓ નમાઝ પૂર્ણ કરી ચૂક્યા, તો એક અંગ્રેજે કહ્યું: “તમે તો પયગમ્બર મૂસા (અલ.) અને પયગમ્બર ઈસા (અલ.) જેવા દેખાવ છો.”
જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીથી અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનો સહિત અનેક પ્રસિદ્ધ રાજકીય હસ્તીઓ અજમેરની દરગાહ પર ચાદર મોકલતા રહ્યા છે અને તેમાંથી અનેકે ત્યાં હાજરી પણ આપી છે. એમાં રાજકીય હેતુઓ પણ હોઈ શકે. પરંતુ દિલ્હીમાં તેમના નિવાસસ્થાનોથી થોડાક જ અંતરે હઝરત નિઝામુદ્દીન ખાતે આવેલ તબલીગી જમાઅતના મુખ્ય કેન્દ્રની ભાગ્યે જ કોઈ નેતાએ મુલાકાત લીધી હશે. તબલીગી જમાઅતની સાદગી અને પ્રસિદ્ધિથી દૂર રહેવાની આ ચરમસીમા ગણી શકાય કે નહીં? કોરોનાકાળમાં કે ત્યાર બાદ ફેલાવવામાં આવેલી નકારાત્મકતા છતાં કેવી સ્વયં-શિસ્ત જાળવી રાખી આ માનવસેવકોએ!
આવા ફરિશ્તા-સમાન ભોળા અને ઈશ્વરને સમર્પિત લોકોના વરદાન અને દુઆઓથી જ આ દુનિયા ચાલી રહી છે. આમ, માત્ર મુસ્લિમો પર જ નહીં, જગતના તમામ લોકો પર તેમના ઉપકારો છે, એવું કહી શકાય. મીડિયાના કેટલાક તકસાધુ તત્ત્વોએ ફેલાવેલી ગેરસમજો દૂર કરીને તમામ દેશવાસીઓએ તબલીગી જમાઅતને સાચી રીતે ઓળખવાની જરૂર છે.
સો-સો સલામ આવા નિસ્વાર્થ સેવાભાવી તબલીગી જમાઅતના સેવકોને!
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે
પ્રકાશિત: સદભાવના ઈ-મૅગેઝિન, જાન્યુ.-૨૦૨૨
0 تبصرے